Our Founder

જ્ઞાનજ્યોત વિદ્યાલયના આદ્યસ્થાપક મુરબ્બી

મગનભાઈ બાંભણીયાના શ્રીવિચાર....

કર ભલા તો હો ભલા’ આ ધૃવ સૂત્રને જીવનમંત્ર બનાવી વિદ્યાલયના વિશાળ ભવનમાં મૂલ્યલક્ષી, જીવનલક્ષી અને વ્યવસાયલક્ષી કેળવણીના કંડારનાર કલાકાર તથા વાણી-વિચાર અને વર્તન દ્વારા આહિર સમાજ અને જ્ઞાનજ્યોત શાળા પરિવારમાં સૌનાં આદરણીય થયેલા મુરબ્બી મગનભાઈ બાંભણીયાના અંતરમનમાં ઘુમરાતા વિચારોને આપ સમક્ષ રજૂ કરતા અમો શાળાપરિવાર આનંદની લાગણી અનુભવીએ છીએ. તો ચાલો, તેઓએ આપેલા પોતાના શિક્ષણક્ષેત્રના મંતવ્યના આધારે આપણે તેઓને વ્યક્તિગત મળ્યા હોય તેવો અનુભવ કરીએ.....

મહાનુભાવો,
કોઈપણ કાર્યની શરૂઆતમાં જ તેમાં સફળ થવાની શ્રદ્ધા હોવી એ મૂલ્યશિક્ષણનું પ્રથમ સંકેત(લક્ષણ) છે. અને ઈશ્વરઇચ્છાથી આ લક્ષણ મારામાં તેમજ મારી સાથે કદમ થી કદમ મિલાવીને ચાલનારા મારા પ્રિય બંન્ધુજનોમાં સ્વયંભુ જ છે.

મિત્રો, જીવન ખરેખર એક યજ્ઞ સમાન છે એ યજ્ઞમાં માણસ સ્વાર્થ, ઈર્ષ્યા અને કપટ જેવા દુર્ગુણોની આહુતિ આપી દે ત્યારબાદ જિંદગીના તમામ ક્ષેત્રમાં તેના માટે સફળ થવું ખુબ જ સરળ થઇ જતું હોય છે. સન ૨૦૦૬ માં શાળા મંડળના ભગીરથ પ્રયાસ દ્વારા ગોડાદરા વિસ્તારમાં જ્ઞાનજ્યોત વિદ્યાલયનું એક અલ્પ વટબીજ રોપાયું હતું જેમાં શ્રેષ્ઠ સારસ્વતમિત્રો દ્વારા અહીંના વિદ્યાર્થીમિત્રોમાં અમૂલ્ય જ્ઞાનજળનું સિંચન થયું અને તેથી જ આજે શાળાના સફળતાપૂર્વક પસાર થયેલા દશાબ્દી પ્રસંગે વિશાળ અને વિરાટ વટવૃક્ષ બનીને વિસ્તર્યું છે. આજે વિદ્યાલયરૂપી વટવૃક્ષની છાયામાં વિદ્યાનુરાગી એવા અનેક બાળયુવાનો પોતાના ઉજ્વળ ભાવી નું ઘડતર કરી રહ્યા છે. આજે જ્યારે વિદ્યાલયના આંગણામાં ઉભો રહીને શાળાની ગતિશીલ પ્રગતિ અને પ્રતિષ્ઠાને જોઉં છું ત્યારે હૈયામાંથી આનંદના પુષ્પોની સુવાસ છૂટે છે અને તે સુવાસ જ મને શિક્ષણક્ષેત્રમાં વધુ સેવાકીય કાર્ય કરવાનું બળ પૂરું પાડે છે અને તેથી જ મને આપને કહેવાનું મન થાય કે.....
અંતરના આનંદનો ગુલાલ કરી ઉડાડતા આવડી ગયું,
બધું જ અધુરૂ લાગતું હતું પહેલા પણ હવે આસાન કરતા આવડી ગયું .
શીખી રહ્યો હતો અહી હું જીવનની કલમ અને બારાક્ષરી
પણ હવે તો ગીતાના શ્ર્લોક પણ ગણગણતા આવડી ગયું .....
મિત્રો, મારી વ્યક્તિગત દૃષ્ટિએ શિક્ષણ મેળવવાનો અર્થ સાચી રીતે તો જીવન કેળવણીનો છે અને કેળવાયેલું જીવન જ સફળજીવન છે. એવું હું માનું છું. આજે ‘શિક્ષણ’ ના ત્રણ શબ્દ એ ખૂબ જ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને આ વિરાટ સ્વરૂપમાં મુક્તમનથી વિહરવા સખત અને સતત પ્રયત્નની જરૂર છે, અહી પણ મને આવું જ કંઇક સાંભરે છે કે,
“ગુરુના પ્રભાવે પ્રયત્ન વધારી વિદ્વાન કરવો છે. સમાજને,
સમાજના સંતાન પછી કરે વિદ્વાન મારા આ રાષ્ટ્રને,
હું કરુ સમાજસેવા અને સમાજ કરે રાષ્ટ્રસેવા,
એ જ મારી મહેચ્છા, એ જ મારી મહેચ્છા...”
વ્હાલાં મિત્રો, સમાજમાં રહીને શિક્ષણની સેવા કરવાનો જે ધન ધન અવસર અમારા પરિવારને મળ્યો છે તેના દ્વારા જાણે અમારી આગળ પાછળની સાતેય પેઢીઓ હલેસા વિના ભવ પાર કરી રહી હોય એવી હરખની હેલી અમારા સૌ બંધુજનોના અંતરમનમાં વરસી રહી છે. બસ હવે તો પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે, હે પરમદયાળું પરમેશ્વર અમારા શુભ સંકલ્પો દ્વારા શિક્ષણની જે પગદંડી અને કંડારી છે એ પગદંડી વિસ્તરીને વિશાળ રાજમાર્ગ બને અને તે શૈક્ષણિક રાજમાર્ગ પર ચાલનારા સૌ વિદ્યાભિલાષી સફળતાને વારે એવી આંતરિક અભિલાષા સહ મારા વિચારોને અલ્પવિરામ આપુ છું. મેળાપ થશે ફરી જરૂર કારણ કે આ જગ મેળો છે.
શિક્ષણથી સુંદર થશે સૃષ્ટી કારણ કે શિક્ષણ જ શુભ છે.
|| જય હિન્દ જય ભારત જય ગુજરાત ||